Main Menu

પાટડી ખાતે અંદાજીત રૂ ૨.૮૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરકારી કન્યા છાત્રાલયના આધુનિક ભવનનું લોકાર્પણ કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરેન્દ્રનગર જિલ્લાના ખારાપાટ વિસ્તારમાં આવેલ પાટડી ખાતે અંદાજિત રૂ ૨.૮૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરકારી કન્યા છાત્રાલયના આધુનિક ભવનનું લોકાર્પણ કરતા શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં હોસ્ટેલમાં નિવાસના કારણે સમૂહ ભાવનાની સાથે સ્વયં શિસ્તના ગુણો વિકસે છે. હોસ્ટેલ જીવન દ્વારા વિદ્યાર્થીઓ સામાજિક સમરસતાના પાઠ પણ શીખે છે.

        મંત્રીશ્રીએ આ કન્યા છાત્રાલયનું આજે ‘લોકાર્પણ’ નથી થયું પણ આજે આ છાત્રાલય ‘બાળાર્પણ’ થયું છે, તેમ જણાવી રાજ્ય સરકારે કન્યાઓના શિક્ષણ માટે હાથ ધરેલ યોજનાઓની વિસ્તૃત વિગતો આપી હતી.

        તેમણે ઉમેર્યુ હતુ કે, રાજ્ય સરકારે ગુજરાતમાં મહિલા સશક્તિકરણ માટે અનેકવિધ પગલાંઓ ભર્યા છે,  યોજનાઓ બનાવી છે. વિવિધ સરકારી વિભાગોમાં મહિલાઓની ભરતી થકી મહિલાઓને સાચા અર્થમાં સશક્ત બનાવી છે, જેના પરિણામે આજે ગુજરાતની દીકરીઓ પોલીસ વિભાગમાં ભરતી થઈ સમાજની સુરક્ષાની જવાબદારી સુપેરે નિભાવી રહી છે.

        આ તકે મંત્રીશ્રીએ રાજ્યમાં શિક્ષણને ચેતનવંતુ બનાવવા સરકારે હાથ ધરેલ પ્રયાસોની વિગતો આપતા ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા બે દાયકામાં શાળાના ઓરડાઓની સાથે શાળાઓમાં શૌચાલય તેમજ પીવાના પાણી જેવી સુવિધા ઉપલબ્ધ બનાવી છે, સાથોસાથ શિક્ષકોની ઘટને નિવારવા પારદર્શકતા સાથે મેરીટ આધારે શિક્ષકોની ભરતી પણ કરી છે.

        આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના રણ કાંઠે આવેલ પાટડી ખાતે રૂ ૨.૮૭ કરોડના ખર્ચે રાજ્ય સરકારે ૧૦૦ જેટલી દીકરીઓને રહેવા જમવા સાથેનું આધુનિકતા સભર ભવ્ય ભવન નિર્માણ કરી આ વિસ્તારની દીકરીઓ માટે શિક્ષણના નવા દ્વાર ખોલ્યા છે.

આ પ્રસંગે જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી મનિષકુમાર બંસલ, મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો.પી.કે. પરમાર, જિલ્‍લા શિક્ષણાધિકારીશ્રી આર.સી. પટેલ, અગ્રણી સર્વશ્રી જેસીંગભાઇ ચાવડા, ખેંગારભાઇ ડોડીયા, પી.કે. પરમાર, હસમુખભાઇ બાવરા, જેંતીભાઇ પટેલ, દર્શનાબેન પટેલ, સુરેખાબેન પટેલ, જીજ્ઞાબેન પંડયા,  સ્‍મિતાબેન રાવલ, રમીલાબેન, મંગુબેન, અધિકારીઓ- પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્‍યામાં શહેરીજનો ઉપસ્‍થિત રહેલા હતાં.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી