Main Menu

આજકાલનાં યુગમાં, અઢી સૈકાની છે વાત, જળુ કુળમાં જનમીયા, અવતારી પુરુષ આઠ, જાદર, ગોરખો ને જીવણો, માસો,માણો,હોય, લાખો, લોમો ને દાદવો,જગ વખાણે જોય. “

“ક્ષાત્રતેજ”

“પૂજ્ય મહંતમહારાજ શ્રી ભરતબાપુ ભગત”

“આજકાલનાં યુગમાં, અઢી સૈકાની છે વાત,
જળુ કુળમાં જનમીયા, અવતારી પુરુષ આઠ,
જાદર, ગોરખો ને જીવણો, માસો,માણો,હોય,
લાખો, લોમો ને દાદવો,જગ વખાણે જોય. ”

પાંચાળની પુણ્ય પાવન ધરા સોનગઢના ડુંગરે ગુરૂ ગેબીનાથની દિવ્ય ચેતના અને રતમલપીર અને મેપા ભગતની વંદનીય ભકિત પરંપરામાં પ્રગટેલ પ્રકાશપુંજ એવા જળુકુળભૂષણ અને ઉપરની પંકિતને સાકારીત કરતા અવતારી પુરુષ જાદરાબાપુની વંશ પરંપરા ને પીરાણાની એક વંદનીય શાખ એટલે લોમબાપુ અને પુણ્ય પાવન ધરા લોમેવધામ ધજાળા….
સુક્ષ્મ ઐતિહાસિક પરીપેક્ષ સાથે પૂજ્ય લોમબાપુ, પૂજ્ય ચાંપબાપુ, પૂજ્ય નાનાબાપુ, અને આજે જેમની હયાત દિવ્ય આભાના દર્શન કરી હ્દયમા ટાઠક થાય એવા પૂજ્ય આપબાપુની ચેતનાને વંદન કરી વર્તમાન લોમેવધામ ધજાળાના પરમ વંદનીય મહંત મહારાજ શ્રી ભરતબાપુ ભગતના પરિચય પુષ્પથી આ અનેરા ક્ષાત્રતેજની વંદના કરવી છે.

“મેપલ તારા વેણની, દુવા ન ખાલ જાય,
પેઢીએ-પેઢીએ પીર થાય,જગ વખાણ જાદરા.”

ઉપરોક્ત દુહાની સાર્થકતા સાથે પાંચાળનું પ્રગટ પીરાણુ અને લોમેવધામ ધજાળાની પ્રાચીનતાને આજે જગત સમક્ષ ઉજાગર કરનાર પ્રાત:સ્મરણીય પરમ વંદનીય મહંત મહારાજશ્રી ભરતબાપુ ભગતનો જન્મ સંવત 2024 શ્રાવણ સુદ 11 ને રવિવાર તા – 04/08/1968 ના મંગલ દિને પિતાશ્રી આપબાપુ અને માતૃશ્રી બેનુબામાં ના ખોરડે થયો.

” સરલ સ્વભાવ ન મન કટુલાઈ
યથા લાભ સંતોષ સદાઈ”

પરમ વંદનીય ભરતબાપુનું જીવન એજ એમનો આગવો પરિચય છે. વિનમ્ર,મીતભાષી,સરળ,સહજ,સાદગીપુર્ણ,ઉન્નત અને ભકિતનું સાકારીત સ્વરૂપ છે.

” સાદગી છે ઠાઠ, ઠાકર ઊજળો અવતાર છે
છે ફકીરી ખાનદાની અને પોતમાં કિરતાર છે.”
— પાર્થ ખાચર

શબ્દોના બધાજ અવતરણ ટુંકા પડે એવી દિવ્યતામય જીવનશૈલી સાથે એમ.એ, બી. એડના અભ્યાસ સાથે પૂજ્ય બાપુ ધજાળાની બાજુમાં આવેલા કરાડી ગામે શિક્ષક તરીકે પૂર્ણ નિષ્ઠાથી ફરજ બજાવતા મહંત મહારાજ ભરતબાપુ સમગ્ર સાયલા તાલુકા અને સુરેન્દ્રનગર સારસ્વત સમાજ માટે એક આગવી પ્રેરણાનું ઝરણું છે અને અવારનવાર પૂ.બાપુની અમ્રુતવાણી અને વિદ્વત્તાનો લાભ હજારો સેવકગણ અને શિક્ષક સમાજને મળી રહ્યો છે.

અનેરી સંસ્કારીતા, મુલ્યનિષ્ઠ કેળવણી અને ઉત્તમ શિક્ષણ પ્રણાલીના પ્રવાહક પૂ. બાપુએ સમગ્ર પાંચાળ ધરામાં એક આદર્શ સ્થાપિત કર્યો છે.

પૂજ્ય ભરતબાપુ ભગતના આશીર્વાદથી લોમેવધામ ધજાળા ની જગ્યાનો ખૂબ જ ઉમદા રીતે વિકાસ થઈ રહ્યો છે, લોમેવધામ ધજાળામા પૂજ્ય ભરતબાપૂની દિવ્ય પ્રેરણાભકિત થકી આજે જુનુ પ્રસાદી સ્થાનની ઉત્તમ જાળવણી અને નૂતન શિખરબધ્ધ મંદિર અનેક સંતોના આશીર્વાદ અને ઉપસ્થિતિમાં નિર્માણ સાથે પૂજ્ય લોમબાપુનુ દિવ્ય સ્મારક સ્થાન વિશાળ પરિસરમાં અંકિત થયું છે સાથે નૂતન ભોજનાલય ગૌશાળા અને ધજાળાના ઠાકરની દિવ્યતમ પ્રસાદીની વસ્તુઓને સંગ્રહિત કરી દર્શનાર્થે મુકવામાં આવી છે. તેમજ ઠાકરની ઉજળી પરંપરા સાથે સમાજમાં સામાજિક પરિવર્તન અને આગવા સુધારાઓ થયા છે. પૂજ્ય બાપુની સરળ અને સમદ્રષ્ટ્રીની ભાવનાથી દરેક જ્ઞાતિના સમુહના લોકો શ્રદ્ધા અને પૂજ્યભાવ ધરાવે છે. દર અમાસ અને દર બીજના દિવસે શ્રદ્ધાળુઓ અને ભાવિકો લોમેવધામના દર્શને આવી પૂજ્ય બાપુના આશીર્વાદ લઇ પોતાના જીવનને સાર્થક કરે છે.

“ભક્ત બીજ પલટે નહી, ભલે જુગ જાય અનંત,
ઊંચ-નીચ ઘરે અવતરે,આખરે સંતનાં સંત.”

ઠાકર ભરતબાપુની દિવ્યતાને રદયના ભાવપૂર્ણ વંદન થઈ જાય છે. શિક્ષિત અને દીક્ષિત મહંત મહારાજ મળ્યાંનો આનંદ સમગ્ર પાંચાળની ધરાને અજવાળી રહ્યો છે.. પૂજ્ય બાપુ નું જીવન અને એમની ધર્મભાવના તેમના વિચારો ઠાકર સમુદાયના જીવનને ઉજાળે છે અને જીવનને એક નવો રાહ પૂરો પાડે છે અને હજારો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર લોમેવધામ ધજાળા બન્યું છે.

એક નાનકડો શ્રદ્ધાનો દીપક પ્રજ્વલિત કરું તો મને યાદ આવે કે ભરતબાપુ કરાડીની શાળામાં શિક્ષક તરીકે જોડાયા બાદ શાળાનું વાતાવરણ ઠાકરના ચરણાર્વિદથી પાવન બન્યું શિક્ષણ, સંસ્કાર અને શિસ્ત સાથે સંસ્કૃતિના પાઠો ખુદ ઠાકર ભણાવતો હોય એ ગામ અને બાળકોનું અહોભાગ્ય કેવું કહેવાય!!!!
આ કરાડી ગામમાં પાણીની ખુબ તંગી હોય છે બધા મળી ઠાકરેની હાજરીમાં શાળાની સામેના વિસ્તારમાં બોર પાડવાનું નક્કી કરે છે અને કુદરતને કરવું અને બોરમાં પાણી પણ અઢળક આવે છે પરંતુ જ્યારે પાણી ચાખવામાં આવે છે ત્યારે પાણી ખૂબ ખારુ હોય છે. બધાના મુખે ઉદ્દગાર નિકળે છે કે ઠાકરે પાણી તો દીધું પણ આ પાણી તો મોઢામાં નખાય એવું નથી ત્યારે પૂજ્ય બાપુના અંતરાત્મામાંથી એક અવાજ નીકળે કે ગાયોના પુણ્યે પાણી સારુ થઈ જાશે.ઠાકર સૌ સારાવાના કરશે!!! ..ઠાકરના એ વેણ થોડાં સમય પછી સાચા પડે છે અને આ ખારુધુધ બોરનું પાણી જ્યારે અવાડામાં નાખવામાં આવે ત્યારે શ્રીફળ જેવું મીઠું થઇ જાય છે…આજે પણ ઠાકર ભરતબાપુના આશિર્વાદની મહેરથી કરાડીમા ઉનાળે પણ આ અખૂટ ગંગધાર વહ્યાકરે છે. આવા અઢળક પરચાઓએ ઠાકરની પીરાય અને ભકિતપરંપરાની દિવ્ય જ્યોતને પ્રજ્વલિત રાખી છે… આથી જ વિદ્વાન ચારણ લાભભાઈ ભાસળિયાએ ધજાળાના ઠાકરને રોકડીયો ઠાકર કહીને બિરદાવ્યા છે ધન્ય છે રોકડીયા ઠાકરને…..

પૂજ્ય મહંત મહારાજ શ્રી ભરતબાપુ ના જીવન માટે જેટલા શબ્દોના અવતરણ અને ઉપમા આપીએ એટલી થોડી છે સમાજના દુઃખ માટે સંતોના દિલ હંમેશા ચિંતિત હોય છે.તેમજ પૂજ્ય બાપુ સમાજની એકતા, સત્ય, શ્રધ્ધા અને વ્યસનથી પાયમાલ થતા સમાજને બચાવવા માટે અને એક ઉન્નત માર્ગે વાળવા માટે તેમનો કાયમ માટે ઉત્તમ પ્રયાસ રહ્યો છે. આપણા ઉપનિષદ કહે છે કે શિષ્ય અને પોતાના પુત્ર બન્ને એક સમાન છે.આ વિચારને ઠાકરે પોતાના હજારો સેવક સમુદાયમા સાકારીત કર્યો છે.. સમાજમાં દારૂ જેવા વ્યસનોની બંદીને દુર કરવા ભરતબાપુએ થોડા સમય પહેલા જ એક ખૂબ આકરી બાધા લીધી હતી કે મનના સંકલ્પની સંખ્યાના લોકોને દારૂના દુષણથી દુર નહી કરે ત્યાં સુધી ઠાકર પગમાં પગરખા ધારણ કરવાનું બંધ કરે છે અને ધજાળાનો ઠાકર ઉઘાડા પગે આ દૂષણને દુર કરવાની હામ ભરે છે અને આ એક ઐતિહાસિક ઘટના બની જાય છે. ઠાકરેની આ સંકલ્પ યાત્રામા હજારો લોકો જોડાય અને એક હજારથી વધુ લોકો ઠાકરના ચરણે દારુ જેવુ દુષણ મુકી ઠાકરના આશિર્વાદ લે છે…અને પૂજ્ય બાપુના આ પ્રેરણાદાયી વિચારને સાર્થક કરી વિશાળ સંખ્યામાં ભેગા થઈ ઠાકરને વિનંતી કરી ઠાકરને પગરખાં પહેરાવી રુડા આશિષ લે છે ખરેખર એક સાચા સંત અને મહંતની ગરિમાને સાર્થક કરતી વિચારધારાના વાહક ભરતબાપુ તમામ દેહાણ જગ્યાઓમા એક અનોખો અજવાસ ફેલાવ્યો છે.

પૂજ્ય મહંત શ્રી ભરતબાપુના સાનિધ્યમાં શ્રી લોમેવધામ ધજાળામા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો ચાલી રહી છે. જેના થકી દેવભભૂમી પાંચાળ ધરાને અને લોક સમુદાયને આ પરિસરનો ઉત્તમ લાભ મળી રહ્યો છે,જેની સમાજે ઉત્તમ નોંધ લીધી છે. પૂજ્ય બાપુ ના વિચારો અને વિચારસરણી ના લીધે લોકોમા સેવા, સમર્પણ અને ભકિતમય જીવનની સાથે ઉત્તમ સમાજ સુધારણાની એક અનોખી કેડી કંડારી છે. અને “આત્મા એ જ પરમાત્મા”નું સુત્ર સાકારીત કરી “માનવ સેવા એ જ પ્રભુ સેવા”એ ન્યાયે સમાજનું દિશાદર્શન કરી રહ્યા છે.

પૂજ્ય ભરતબાપુ ના માર્ગદર્શન નીચે લોમેવધામ ધજાળા ની અંદર અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. એ સામાજિક ક્ષેત્ર હોય, વ્યસનમુક્તિ હોય, સમાજના આંતરિક ક્લેશમા પૂજ્ય બાપુની ઉન્નત વિચારશિલતાને લીધે સમાજમા સમાધાનકારી વલણ દાખવી ભાઈચારો અને સમરુપતા જાળવવાનું દિવ્ય કાર્ય ઠાકર કરી રહ્યાં છે.ઠાકરની અમૃતવાણી અને એમની સાદગી સૌ કોઈ નાના-મોટા ને સ્પર્શી જાય છે.

લોમેવધામ ધજાળામાં ગુરુકુળ પરંપરાને ઉજાગર કરતુ વિદ્યાધામ નિર્માણ થઈ રહ્યું છે એ સૌ માટે આનંદદાયી ધટના છે. પૂજ્ય બાપુ પોતે વાચનના આગ્રહી છે અને સેવકગણને પણ તેનો લાભ મળે એ માટે “પુસ્તક પરબ” શરુ કરી છે જે ખૂબ વંદનીય પ્રયાસ છે. સાથે દરરોજ “ટુકડો ત્યાં હરિ ઢુકડો” ની ભાવના અને હરિહરની હાકલ પડે છે.ગૌ-શાળામા ગાયોની સેવા અને ત્રીનેત્રી ગૌમાતા એ સૌના આકર્ષણ અને શ્રધ્ધાનું કેન્દ્ર છે.અશ્વશાળા સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં નેત્રદાન કેમ્પ, બ્લડ કેમ્પ,ભજન,કિર્તન,બાપુની જ્ઞાન ગોષ્ઠી રખાય છે અને દર ભાદરવી બીજના પાવન દિવસે અઢારેય વરણના હજારો સેવકો લોમેવધામ ધજાળામા ભેગા મળી ભવ્ય સંતવાણી, સાથે ભજન, ભોજન અને ઠાકર પુજનનો અનેરો ઊત્સવ ઉજવે છે… તાજેતરમાં જ તારીખ 17/02/2019 મા પૂજ્ય ભરતબાપુના આશિર્વાદથી લોમેવધામ ધજાળામા ભવ્ય સમુહલગ્નનુ જાજરમાન આયોજન થયું છે…શબદધારા આજ અવિરત વહે છે પણ કલમને થોભાવતા પહેલા ઠાકરેના ચરણે હૃદયનાં ઊંડાણથી પ્રગટેલી એક ઉર્મિ……

ધજાળાના ધામે ઠાકર
ભરતબાપુ નામે ઠાકર

પાંચાળે છે પ્રગટ પીરાણુ
હાથ સૌના થામે ઠાકર

આવે માનવ આશિષ લેવા
જોઈ આનંદ પામે ઠાકર

ધ્વજસ્તંભ જ્યાં ધર્મકેરો
રોકડીયો છે નામે ઠાકર

હરીહરની હાંકલ પડતી
સેવક લાગે કામે ઠાકર

ખારા પાણી મીઠા કરતો
જુઓ કરાડી ગામે ઠાકર

શ્વાસો થંભ્યા પેટે માના
દુ:ખડા પલમાં ડામે ઠાકર

ધજાળાના ધામે ઠાકર
ભરતબાપુ નામે ઠાકર

@ પાર્થ ખાચર

પૂજ્ય બાપુની ચેતનાને મારા હજારો શબ્દોનું અવતરણ પણ ટુંકુ પડે એવી દિવ્ય પરંપરાના વાહક, ચાહક અને પ્રવાહક એવા રોકડીયા ઠાકર પૂજ્ય ભરતબાપુના ચરણે કોટી-કોટી વંદન…સહ આ “ક્ષાત્રતેજ” કોલમની શરૂઆત પૂજ્ય ભરતબાપુના ચરણે ધરુ છું.
જય હો લોમેવધામ…

ધામ ધજાળે ધર્મ ધજાયુ સધળે એની મે’ર
રોકડિયો મારો ઠાકર બેઠો દેખી દિલમા લે’ર

લેખક:- ખાચર પ્રવીણભાઈ એલ. ખાચર “પાર્થ”


error: Content is protected !!