Main Menu

ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની સાથે જય અને ગોપી આકર્ષાયા અને પ્રેમનો પ્રારંભ થયો

પતંગના રસિયાઓ અને સામાન્ય લોકો પણ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે તે ઉત્તરાયણની શાનદાર અને પરંપરાગતરીતે ઉજવણી કરવામાં આવનાર છે.

ઉત્તરાયણ પહેલા નાના અને મોટા મકાનો તથા અન્યત્ર જગ્યાઓ પર નાના બાળકોથી લઈને મોટા લોકો જોવા મળી રહ્યા છે. દરેક વયના લોકો મનમુકીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે. ગુજરાતમાં પતંગની ઉજવણીની પરંપરાનો ઇતિહાસ ખૂબ જુનો છે અને તેમા પણ અમદાવાદ એ ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટેનું એક અનોખુ સ્થળ બની ગયુ છે ત્યારે ઉત્તરાયણ પર્વ દરમ્યાન ધાબા પર પતંગ ચગાવવાની સાથે જય અને ગોપી આકર્ષાય છે. ઉત્તરાયણ દરમ્યાન જય અને ગોપીના પ્રેમનો પ્રારંભ થાય છે. જય અને ગોપીનું ઘર પાસે હોવાથી સહજતાથી એકબીજાને મળી શકે છે અને ધાબા પર બેસીને ચિક્કી, તલસાકળી ખાવાની સાથે પ્રેમની ભરપુર મજા માણી રહ્યા છે. જય અને ગોપીના પ્રેમનો પતંગ ઉત્તરાયણ દરમ્યાન ચગી રહ્યો છે અને બન્ને લગ્ન કરવાનું એકબીજાને વચન આપે છે. ઉત્તરાયણના પર્વ દરમ્યાન ગોપી જયના પડછાયાની જેમ સાથે રહે છે.

ઉત્તરાયણમાં પતંગ ચગાવવા પાછળ કોઇ ધાર્મિક કે વૈજ્ઞાનીક મહત્વ છે તેવો ગોપીએ પ્રશ્ન કર્યો ત્યારે જયે જણાવ્યુ કે મારી જાણકારી મુજબ, ભગવાન સૂર્યદેવ જગતનો આત્મા છે. રાશિઓ પર તેમનું પ્રભુત્વ હોઈ તેઓ એક વર્ષમાં બારેય રાશિઓેમાં પ્રવર્તિત રહે છે. આમ એક રાશિમાં એક માસ રહેતા હોઈ એક થી બીજી રાશિમાં પ્રવેશવાને ‘સંક્રાંતિ’ તરીકે ગણવામાં આવે છે. વળી બાર માસથી ગણાતા એક વર્ષના પણ બે ભાગ ગણેલ હોઈ પહેલા ભાગ ( છ માસ) ઉત્તરાયણ અને બીજાભાગને દક્ષિણાયન કહેવામાં આવેલ છે. ઉત્તરાયણ દેવોનો સમય અને દક્ષિણાયન ને તેમની રાત્રિ ગણાય છે. આપણા પ્રખર ખગોળરૂપી આર્યભટ્ટે હજારો વર્ષ પહેલાં સિધ્ધ કરી બતાવ્યું છે કે ગ્રહો, નક્ષત્રો તથા રાશિની માનવજીવન પર અસર થાય છે. અઢી કી.મી. દૂર રહેલો ચંદ્ર પૃથ્વી પરના સમુદ્રોમાં ભરતી- ઓટ લાવી શકે છે. બસ આવી રીતે અવકાશી પ્રક્રિયા ‘ગ્રહણ’ અને ઉત્તરાયણ માટે છે. ધન રાશિમાંથી મકરરાશિમાં સૂર્યનું સંક્રમણ એટલે ઉત્તરાયણ અને એટલા માટે જ આ તહેવારમાં સૂર્ય ઉપાસના કરવા ઋષિમુનિઓ અને ધર્માચાર્યોએ ધાર્મિક મહત્વ આપ્યું છે. પ્રાચીન યુગમાં પણ સૂર્ય ઉપાસના થતી હતી દક્ષિણના કોણાર્ક અને ગુજરાતના મોઢેરા ખાતેના સૂર્યમંદિરમાં આજે પણ વર્ષમાં એક વખત સૂર્યનું કિરણ સૂર્યમંદિરની મૂર્તિ ઉપર જોવા મળે છે. આ શિલ્પીઓની અદ્ભૂત કલાને ભૂલી ન શકાય. ભગવાન શ્રીકૃષ્ણે ઉત્તરાયણના પુનિતપર્વની મહત્તા ગીતાજીમાં સમજાવીને મકર સંક્રાતિ- સૂર્યનો મકર રાશિમાં પ્રવેશને શુભ મંગલકારી ગણાવી સૂર્યદેવની ઉપાસનાને શ્રેષ્ઠ ગણ્યો છે. ઇચ્છા મૃત્યુના અધિષ્ઠાતા દાદા ભીષ્મ પિતામહ બાણશૈયા પર સુતા રહ્યા અને સૂર્યના મકરરાશિમાં પ્રવેશ્યા પછી પ્રાણ છોડયા હતા. તને બીજી એક વાત કહુ તો સૂર્યદેવના શનિ અને યમરાજ એમ બે પુત્રો છે. તેથી શનિદેવની પૂજા- અર્ચના કરવામાં આવે છે. મકરસંક્રાન્તિ ઉપર શનિનો પ્રભાવ હોઈ કાળા રંગનું દાન , કાળા તલ, તલ- ગોળની બનેલી ચીજના દાનનું વિશેષ મહત્વ છે. સૂર્યના શ્રાપથી શનિ અને તેમનાં માતા છાયા નિર્ધન થયેલાં. ઘણા સમય પછી સૂર્યદેવના બીજા પુત્ર યમદેવની વિનંતીથી ઘરમાં પડેલ તલ અને ગોળનો ભોગ ધરાવી પૂજા અર્ચના કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થયેલ. સારા ભવિષ્ય માટે વરદાન આપેલ તે દિવસથી આવી ચીજવસ્તુઓનું દાન કરી સૂર્ય ઊપાસના કરવામાં આવે છે. આપણા અનેક આરાધ્ય દેવો સુક્ષ્મ સ્વરૂપે આપણી આસપાસ કે મંદિરોમાં જોવાય છે. પરંતુ સાકાર સ્વરૃપે માત્ર એક દેવ સૂર્યદેવ કરોડો વર્ષોથી આપણી ઉપર કૃપા કરી આપણને દર્શન આપે છે. વિશ્વને પ્રકાશ નિયમિત રીતે આપે છે. તેમના લીધે વરસાદ આવે છે. અનાજપાણી પાકે છે. વળી આરોગ્ય પ્રદ અનેક વનસ્પતિઓ ફળ- ફૂલો મળે છે. સૂર્યસ્નાન આરોગ્યપ્રદ છે. આમ સૂર્યદેવનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. તેમના લીધે અને પૃથ્વીની ગતિને લીધે રાત્રિ -દિવસ આવે છે. શરીરને પણ આરામ મળે તે માટે સૂર્ય- પૃથ્વીથી રાત્રિ આવે છે. ઉત્તરાયણ એટલે આ દિવસથી સૂર્ય દક્ષિણગોળાર્ધના ‘મકરવૃત’ તરફથી ઉત્તર ગોળાર્ધના ‘કર્કવૃત્ત’ તરફ પ્રયાણ કરે છે. ટૂંકમાં સૂર્ય દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે. આમ મકરસંક્રાંતિ એટલે સૂર્ય ધનરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. ૧૪મી જાન્યુથી સૂર્ય છ માસ ઉત્તર દિશા તરફ ઉદય પામતો દેખાય છે. વળી ઉત્તરાયણને ‘દેવયાન- દેવલોક કહે છે. ત્યાર પછી દક્ષિણ તરફ પ્રયાણ તેથી દક્ષિણાયન એટલે ‘પિતૃયાન- પિતૃલોક કહેવામાં આવે છે.
ઉત્તરાયણમાં દાનનો મહિમા રહેલો છે તેવું મે સાંભળ્યુ છે પરંતુ તેનુ મહત્વ મને ખબર નથી જો તને ખબર હોય તો મને સમજવાને તેમ ગોપીએ ફરી પ્રશ્ન કર્યો ત્યારે જયે જણાવ્યુ કે, ઉત્તરાયણના દિવસે સૌ કોઈ દાન સવિશેષ કરે છે. તેમાંય તલના લાડવામાં પૈસો મૂકી ગુપ્તદાન કરવામાં આવે છે. માણસો ગાયોને ઘાસચારો, તથા ગરીબોને અન્ન તથા વસ્ત્રનું દાન આપે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતોને ઝોળીદાન કરવામાં આવે છે. સમગ્ર ભારત વર્ષમાં મકરસંક્રાતિ- ઉત્તરાયણનું પર્વ ઉજવાય છે અને તે પણ પ્રાચીનકાળથી પ્રવર્તમાન છે. મકરસંક્રાતિનો ઉત્સવ એ પ્રકૃતિનો ઉત્સવ છે. સૂર્ય જુદી- જુદી રાશિઓમાં પ્રવેશ કરતો રહે છે. અને તે ક્રિયા સંક્રાંતિ કહેવાય છે. મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે મકર સંક્રાંતિ થાય. કર્ક રાશિમાં પ્રવેશ કરે ત્યારે કર્ક સંકાન્તિ થાય. ધન રાશિમાં સૂર્ય પ્રવેશે ત્યારે ધન સંક્રાંતિ થાય. પોષ મહિનામાં સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે માટે આ ઉત્સવને ‘મકરસંક્રાંતિ’ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમાની દિશા બદલે છે. તે ઉત્તરની તરફ ઢળતો જાય છે માટે લોકો આ સમયને ‘ઉતરાયણ’ કહે છે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતાં ધનુર્માસની સમાપ્તિ થાય છે. આ દિવસથી કમૂરતાં પણ પૂર્ણ થતાં લગભગ એક માસથી જે શુભ કાર્યો અટકી ગયા હોય છે તે ફરી શરુ થાય છે. આપણા શાસ્ત્રો અનુસાર શુભ કાર્યોની શરૃઆત ઉત્તરાયણના સૂર્યસંક્રમણથી કરવામાં આવે છે. ઉત્તરાયણ બધા સદ્ગુણોની ખાણ દરેકમાં રહેલા પરમાત્મા જ છે. ઉત્તરાયણના શુભ દિને ભાસ્કર મકર રાશિમાં પ્રવેશે છે. તેથી તેને મકરસંક્રાંતિ પર્વ કહે છે. આ કાળને દેવકાળ કહેવાય છે. સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશ કર્યા બાદ ભીષ્મ પિતામહે, મહાસુદ આઠમના રોજ પોતાની ઇચ્છાથી દેહત્યાગ કર્યો હતો. તેમનું શ્રાધ્ધ સંસ્કાર કર્મ ઉત્તરાયણ કાળમાં સંપન્ન થયું હતું. મકર સંક્રાંતિના સુવર્ણ પુણ્યોદય કાળમાં પિતૃઓના આત્માને શાંતિ, નિજ આરોગ્ય સંવર્ધન તથા સર્વ હિતાર્થે તલનો ઉપયોગ છ રીતે કરવો આવશ્યક છે. ૧) તલનું ઉબટન કરવું. ૨) તલ મિશ્રણ કરેલા જળથી સ્નાન કરવું. ૩) તલ મિશ્રણ કરેલા જળનું પેય કરવું. ૪) તલનું ભોજન કરવું ૫) તલનું દાન કરવું ૬) તલનો ઉપયોગ કરી યજ્ઞા- હવન કરવાથી પાપનો વિનાશ થાય છે. જીવનમાં સર્વપ્રકારે શાંતિ- કલ્યાણાર્થે પુણ્યકાળ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પાવન ધર્મતીર્થો, પવિત્ર સરિતાઓ, પાવન કૂવામાં સ્નાન કરવાની મહત્તા પણ શાસ્ત્રમાં વર્ણીત છે. શ્રધ્ધાળુજન જો ત્યાં ન જઈ શકે તો ભાગીરથીજળ પ્રાપ્ત કરીને કે પતિતપાવની ગંગાદેવી સ્મરણ કરીને પુણ્યસ્નાન કરવું જોઈએ. મકરસંક્રાંતિ પર્વોત્સવમાં ધ્યાન, તર્પણ, દાન, શ્રધ્ધામય, શ્રાધ્ધ, જપ કરવાં જોઈએ. ગાય અને અબોલજીવોને ચારો, તલ, ગોળ, અનાજ, ખિચડો ખવડાવીને ભૂદેવોને ગુપ્તદાન આપવું જોઈએ.
આ સંભળીને ગોપીએ કહ્યુ કે, હવે આપણે ઉત્તરાયણ દરમ્યાન પતંગ ચગાવવાની સાથે દાન પુણ્ય કરીશુ અને સમય મળ્યે ધાબા પર પ્રેમથી વાતો કરીશુ. વાતો જ કરીશુ તો પતંગ કોણ ચડાવશે તેમ જયે પ્રશ્ન કર્યો ત્યારે ગોપીએ કહ્યુ કે, આપણા પ્રેમનો પતંગ તો ક્યારનો ચગી ગયો છે.
– નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
મો.નંબર-9824856247

 


error: Content is protected !!