Main Menu

બોટાદ મામલતદાર કચેરીની આકસ્મીક તપાસણી કરતાં જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમાર

બોટાદ જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમારે આજે બોટાદ તાલુકા સેવા સદન ખાતે આવેલ મામલતદાર કચેરીની આકસ્મીક તપાસણી કરી જમીન સાંથણી, પડતર કેસો, લીઝ – ભાડાપટ્ટાની જમીન, જુની શરત – નવી શરત સહિતની કચેરીની તમામ કામગીરીની તપાસણી કરી હતી.

કલેકટરશ્રીએ જમીન સાંથણીના કેસોમાં ઝડપ આવે તે માટે પડતર કેસના કિસ્સામાં જરૂરી સ્થળ તપાસની કામગીરી ઝડપથી પૂર્ણ કરી બાકી રહેતા કેસોનો સત્વરે નિકાલ કરવા જણાવ્યું હતુ. તેમણે ભાડા પટ્ટાની જમીન અને લીઝ રીન્યુઅલની કામગીરીની સમિક્ષા કરી ભાડા પટ્ટાની જમીન જેને ફાળવવામાં આવી છે તેની ઉપર તે જ વ્યક્તિનો કબ્જો છે કે કેમ ? તે જે હેતુ માટે ફાળવવામાં આવેલ હોય તે હેતુ માટે જ ઉપયોગ થાય છે કે કેમ ? વગેરે બાબતની તપાસણી કરવા તથા આ માટે યોગ્ય રજીસ્ટરની નિભવણી કરી, રજીસ્ટર મુજબની યાદી તલાટી – સર્કલને તપાસણી માટે આપવા પણ જણાવ્યું હતુ.તેમણે મામલતદાર કચેરીમાં આવતી નવી શરત – જુની શરતની અરજીઓની ચકાસણી કરી, જરૂરી વિગતો મેળવી અરજીઓમાં ક્ષતિઓ જોવા મળે તો તેવા કિસ્સામાં તે ક્ષતિઓ ઝડપથી દૂર થાય તે માટેની કામગીરી હાથ ધરવા પણ કહયું હતુ.કલેકટરશ્રીએ મામલતદાર કચેરી સ્થિત રેકર્ડ રૂમની મુલાકાત લઈ આ સ્થળે સ્વચ્છતાની જાળવણીની સાથે યોગ્ય રીતે રેકર્ડની જાળવણી કરવા પણ સૂચન કર્યું હતુ. તેમણે કચેરીમાં ખરાબ થઈ ગયેલા ફર્નિચરના યોગ્ય નિકાલની સાથે જરૂરી ફર્નિચર ઉપલબ્ધ બનાવવા પણ સબંધિત અધિકારીશ્રીને જણાવ્યું હતુ.આ તકે જિલ્લા કલેકટરશ્રીએ ઈ-ધરા, એટીવીટી, જનસેવા કેન્દ્રની સાથે તાલુકા સેવા સદન ખાતે ચાલતી આધાર કાર્ડની કામગીરીની પણ મુલાકાત લીધી હતી. તેમણે આધાર કાર્ડ કઢાવવા માટે આવતા લોકોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે અને સરળતાથી તેમના આધાર કાર્ડ નિકળી જાય તે માટે વધુ સારી વ્યવસ્થા ગોઠવવા પણ મામલતદારશ્રીને જણાવ્યું હતુ.

મામલતદાર કચેરીની તપાસણી દરમિયાન કલેકટરશ્રી સુજીત કુમારની સાથે અધિક નિવાસી કલેકટરશ્રી બી. વી. લીંબાસીયા ઉપસ્થિત રહ્યાં હતા.

મામલતદાર કચેરીની મુલાકાત બાદ કલેકટરશ્રી સુજીત કુમારે બોટાદ પોલીસ સ્ટેશનની તપાસણી કરી હતી.

 






error: Content is protected !!