Main Menu

મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે બોટાદ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા

ગાંધી વિચારોમાં વૈશ્વિક સમસ્યાનું નિરાકરણ સમાયેલું છે  મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ

મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે આજે બોટાદ ખાતે પ્રભાત ફેરી, સર્વધર્મ પ્રાર્થના તેમજ સ્વચ્છતા સંદેશ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતુ કે, આજે વિશ્વની સામે રહેલી આતંકવાદ, ભ્રષ્ટાચાર, કુ-પોષણ, સામાજિક અસમાનતા જેવી અનેકવિધ વૈશ્વિક સમસ્યાઓનું નિરાકરણ ગાંધી વિચારોમાં સમાયેલું છે. મહાત્મા ગાંધીજીના વિચારો તે સમયે જેટલા યથાર્થ હતા તેટલા જ આજના સમયમાં પણ યથાર્થ છે   મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ વર્ષની ઉજવણી થાય અને સમગ્ર દેશ આ ઉજવણીમાં સહભાગી બને તે માટે આહવાન કર્યું છે. આ ઉજવણી થકી લોકો ગાંધીજીના વિચારોને અપનાવે અને તેના દ્વારા સમૃધ્ધ ભારતનું નિર્માણ થાય તેવા ઉદ્દેશ સાથે દેશમાં અનેકવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે. તેમ જણાવી તેમણે નવી પેઢીને ગાંધીજીના પુસ્તકોના વાંચન થકી તેમના વિચારોને જીવનમાં ઉતારી ગાંધી વિચારોના વાહક બનવા અનુરોધ કર્યો હતો.  રાજ્ય સરકાર દ્વારા ગામડું સમૃધ્ધ બને અને સમાજમાં સ્વચ્છતા જળવાય તે માટે મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા અને ગ્રામોત્થાનના વિચારોને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાનું કાર્ય આરંભાયું છે. તેમ જણાવી મંત્રીશ્રીએ ઉપસ્થિત સર્વેને સરકારના સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા આહવાન કર્યું હતુ.

આ પ્રસંગે વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના તથા ગાંધી વિચારો રજુ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ પહેલા બોટાદની શ્રીમતી એલ. જે. શાહ ગર્લ્સ સ્કુલથી પ્રભાતફેરી યોજાઈ હતી. જેનું મંત્રીશ્રી તથા મહાનુભાવોએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ. આ પ્રભાતફેરી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી સરકારી હાઈસ્કુલ ખાતે પૂર્ણ થઈ હતી.

આ તકે નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં ડોર ટુ ડોર કચરાના કલેકશન માટેના સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલ ૧૧ વાહનોનું મંત્રીશ્રી સૌરભભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટરશ્રી બી. વી. લીંબાસીયા, નગરપાલિકાના પ્રમુખશ્રી મહાસુખભાઈ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, અગ્રણીઓ સર્વશ્રી મનહરભાઈ માતરીયા, ભીખુભાઈ વાઘેલા, છનાભાઈ કેરાલીયા, માધવજીભાઈ ભૂંગાણી, વિવિધ સંસ્થા – સંગઠનના હોદ્દેદારો, શહેરીજનો તથા શાળાના વિદ્યાર્થી ભાઈ – બહેનો ઉપસ્થિત રહયાં હતા.


error: Content is protected !!