Main Menu

બોટાદ ખાતે આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો શુભારંભ

બોટાદ જિલ્લાના ૨૮ હજારથી વધુ પરિવારોના ૧.૫૦ લાખ લોકોનેઆયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળશે– મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ


                                                                                                                         વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશમાં આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશના લોકોના આરોગ્ય સુખાકારી માટેની સૌથી મોટી આ યોજનાના શુભારંભમાં સહભાગી બનવા બોટાદ ખાતે મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.  આ પ્રસંગે મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતુ કે, આઝાદી બાદ અનેક યોજનાઓ બની છે, પરંતુ સામાન્ય માણસને કેન્દ્રમાં રાખીને તેના આરોગ્યની સુખાકારી માટેની આટલી મોટી યોજના અત્યાર સુધીમાં કયારેય પણ નથી બની. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગરીબ – મધ્યમ – સામાન્ય વર્ગના પરિવારોને માંદગીના સમયે દેવુ ન થાય અને તે પરિવારના વ્યક્તિને એકપણ રૂપિયો ચૂકવ્યા વિના માંદગીના સમયે રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર મળી રહે તે માટે માનવીય અભિગમ સાથેની યોજના અમલમાં મૂકી છે. આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સમગ્ર દેશના ૧૦ કરોડ પરિવારોના ૫૦ કરોડ લોકોને સાંકળવામાં આવશે. તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, આ યોજનાનો લાભ ગુજરાતના ૪૪ લાખથી વધુ પરિવારોના ૨.૨૫ કરોડ લોકોને મળશે. જે પૈકી બોટાદ જિલ્લાના ૨૮ હજારથી વધુ પરિવારોના ૧.૫૦ લાખ લોકોને પણ આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળશે. મંત્રીશ્રીએ કહયું હતુ કે, આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના પરિણામે આગામી સમયમાં અનેકવિધ નવી હોસ્પિટલો ઉપલબ્ધ બનશે. જેના કારણે રોજગારીની નવી તકો ઉભી થશે. અને માંદગીના કારણે ગરીબીનો સામનો કરતાં અનેક પરિવારો ગરીબીમાંથી બહાર આવશે. છેવાડાના માનવીને કેન્દ્રમાં રાખીને તેના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. તેમ જણાવી તેમણે ઉમેર્યું હતુ કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંકલનના પરિણામે ગુજરાતના વિકાસને વેગ મળ્યો છે.  આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. જે. ઓ. માઢકે ઉપસ્થિત સૌનું શાબ્દીક સ્વાગત કર્યું હતુ. જ્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશીષ કુમારે આભાર વિધી કરી હતી. આ તકે વડાપ્રધાનશ્રીના હસ્તે રાંચી – ઝારખંડ ખાતેથી સમગ્ર દેશમાં શુભારંભ કરવામાં આવેલ આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાઈવ પ્રસારણને ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતુ. અત્રે ઉલ્લેખનિય છે કે, આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગુજરાતના ૪૪ લાખથી વધુ પરિવારના ૨.૨૫ કરોડ નાગરિકોને સામાન્ય બિમારીથી લઈને ગંભીર બિમારીના કિસ્સામાં તમામ પ્રકારની સારવાર – ઓપરેશન વગેરે માટે ૧૦૦ ટકા સરકારી ખર્ચે, ગરીબ – મધ્યમ વર્ગના નાગરિકો માટે પરિવાર દીઠ વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર – સુવિધા ઉપલબ્ધ થશે.   આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશીષ કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી મહાસુખભાઈ કણઝરીયા, અગ્રણીઓ સર્વશ્રી ડો. ટી. ડી. માણીયા, સુરેશભાઈ ગોધાણી, અધિકારી – પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં બોટાદના શહેરીજનો ઉપસ્થિત રહયાં હતા.

 


error: Content is protected !!