Main Menu

બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

ભાવનગર શહેર જિલ્લામાં આજથી ધોરણ ૧૦ તથા ૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. કસોટીના પ્રથમ પેપર દરમ્યાન રાજકિય અગ્રણીઓ, પદાધિકારીઓ તથા અન્ય મહાનુભાવો સહિતનાઓએ પરીક્ષાર્થીઓને પૂષ્પ ગુચ્છ તથા મો મિઠા કરાવી શુભેચ્છા પાઠવી હતી.
સમગ્ર રાજ્ય સાથે સાથે ભાવનગર શહેર જિલ્લામાં એસ.એસ.સી. એચ.એસ.સી. બોર્ડની પરીક્ષાનો આજરોજ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પ્રારંભ થયો હતો. તંત્રની આગોતરી તૈયારી તથા આયોજન બધ્ધ ગોઠવણને પરીણામે પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ પડી ન હતી. સવારના સમયમાં ધોરણ ૧૦માં ગુજરાતી ભાષાનું પેપર લેવાયુ હતું જે અંગે પરીક્ષાર્થીઓના જણાવ્યા અનુસાર ગત વર્ષની તુલનાએ આ વર્ષે પેપર સરળ સહેલુ રહેતા પૂર્વ તૈયારી સાથે આવેલ છાત્રોએ નિર્ધારીત સમય પૂર્વે જ સંપૂર્ણ પેપર પુરૂ કર્યુ હતું. એ જ રીતે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવાયુ હતું જે પ્રશ્ન પત્ર પણ સરળ રહ્યુ હોવાનો સુર વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો હતો તેમજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં સહકાર પંચાયત તથા નામાના મૂળતત્વોનું પેપર લેવામાં આવ્યુ હતું.

કોંગી અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી
ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમખ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નિતાબેન રાઠોડ સભ્ય નિર્મળાબેન જાનિ, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી લાલભા ગોહિલ તથા સંજયભાઈ, રાજકુમાર મોરી, નિલદિપભાઈ, જયદેવભાઈ ભાવિનબાઈ સહિતના અગ્રણીઓએ શહેરના ઘોઘારોડ સ્થિત ફાતીમા કોન્વેટ સ્કુલ મેરૂબાગ ખાતે ધોરણ ૧૦ -૧૨ના વિદ્યાર્થીઓને પેપર આપતા પૂર્વે ગુલાબ સાથે ચોકલેટથી મો મીઠા કરાવી પ્રોત્સાહિત કર્યા હતા.

ધો.૧૨ નામાનું પેપર લીક થયાની અફવાથી વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા
બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મુળતત્વોનું પેપર પરીક્ષા શરૂ થાય તે પૂર્વે સોશ્યલ મિડીયામાં વાઈરલ થતા ચકચાર મચી જવા પામી હતી સવારના સમયે વ્યાપક બનેલી અફવાના પગલે વિદ્યાર્થીઓ વાલીઓ અરસ-પરસ સતત પુછપરછ કરતા જોવા મળ્યા હતા. આ અંગે જિલ્લા શિક્ષણ કચેરીનો સંપર્ક કરતા અધિકારીએ સમગ્ર અફવાનું ખંડન કરતા જણાવ્યું હતું કે સમગ્ર બાબત અફવા છે લોકોએ અફવા ને લઈને ગેરમાર્ગે દોરાવુ નહી.

૯૭૨ વિદ્યાર્થીઓ ગેરહાજર
ધોરણ-૧૦ મા કુલ ૩૯૪૭૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી ૩૮૭૫૧ પરીક્ષાર્થીઓ હાજર તથા ૭૨૧ છાત્રો ગેર હાજર રહ્યા હતા એ જ રીતે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ સહકાર પંચાયત માટે કુલ ૫૨ સંખ્યા નોંધાઈ હતી જેમા એક પણ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા ન હતા તથા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ નામના મૂળ તત્વોમાં કુલ ૬૯૦૮ વિદ્યાર્થી પૈકી ૬૭૭૬ હાજર તથા ૧૩૨ પરીક્ષાર્થી ગેરહાજર નોંધાયા હતા તથા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૫.૫૩૭ હાજર ૧૧૯ ગેરહાજર સાથે કુલ ૫૬૫૬ છાત્રો નોંધાયા હતા.


Source: royal express